નોલેજ ઝોન
ચુંબકીય (મેગ્નેટિક) બળો પર ટ્રેન ચલાવવા માટે ઘણી બધી ટેક્નિક છે, પણ એમાં ઇલેક્ટ્રિડાયનેમિક લેવિટેશન ટેક્નિક સૌથી સરળ આશાસ્પદ છે. આ ટેક્નિકમાં ટ્રેનનીનીચે બહુ પ્રબળ ચુંબકો હોય છે અને તેથી તે એલ્યુમિનિયમના ટ્રેક ઉપર સરકે છે. શરૃઆતમાં ટ્રેન રબ્બર વ્હિલ પર સ્ટેશનથી રવાના થાય છે. પછી સ્પીડ પકડે ત્યારે એ ચુંબકીય બળના આધારે દોડે છે. એનાં ચુંબકો ગતિશીલ હોવાથી એ ફરતા રહે છે અને એલ્યુમિનિયમ ટ્રેકમાં વીજળીનો પ્રવાહ પેદા કરે છે. આ વીજપ્રવાહ પોતે ચુંબકત્વ ધરાવે છે. આમ, ટ્રેન અને ટ્રેક પરનાં ચુંબકીય પરિબળો સામસામાં આવવાથી ટ્રેન ટ્રેકથી થોડા સેન્ટિમીટર ઊંચે રહી હવામાં અધ્ધરોઅધ્ધર આગળ ગતિ કરે છે. આ અસરને પ્રત્યક્ષ દર્શાવવા માટે તમે ઝડપથી ગોળ ગોળ ફરતી એલ્યુમિનિયમ ડિસ્ક પરના પ્રબળ ચુંબકને નીચે ઉતારી જુઓ. એની સપાટી પર પાંચ સેમી વ્યાસવાળા ડિસ્ક ચુંબકને નીચે ઉતારી જુઓ. ચુંબક ઊછળીને રૃમમાં ન ઊડી જાય એ માટે તમે કડક ટેપમાંથી બનેલી પટ્ટી વડે ચુંબકને પકડી રાખી શકો છો. આવા પ્રયોગથી જોઈ શકાશે કે ગોળ ગોળ ફરતી ડિસ્કને સ્પર્શવાને બદલે ચુંબક એનાથી થોડું ઉપર હવામાં તરતું રહે છે. બસ આ જ ભૌતિક શાસ્ત્રનો સિદ્ધાંત કામ કરે છે જે મેગ્નેટિક ટ્રેનને એલ્યુમિનિયમના ટ્રેકને ટચ કર્યા વગર ઉપર રહીને ઝડપભેર સરકતી રાખે છે. જાપાન, ચીન, જર્મની, રશિયા,ફ્રાન્સ વગેરે એડવાન્સ દેશોમાં આવી મેગ્નેટિક ટ્રેનો દોડે છે. ભારતમાં હજુ આવી ટ્રેન ચાલતી નથી. બાળદોસ્તો, ભૌતિકશાસ્ત્રનો કોઈ પણ પ્રયોગ તમારા શિક્ષક કે વડીલની હાજરીમાં જ કરજો. મેગ્નેટિક શક્તિ ઘણી વધારે હોઈ તે તમને નુકસાન પણ પહોંચાડી શકે છે.