- હર્ષ મેસવાણિયા
માનવીય શરીરના અમુક ભાગો જેવા કે હાથ-પગ વગેરેનું કૃત્રિમ રીતે ઓપરેશન કરીને પ્રત્યારોપણ કરવામાં આવે છે પરંતુ શરીરનાં બહુ સંવેદનશીલ અંગોનું પ્રત્યારોપણ કરવું આજે પણ શક્ય બનતું નથી. ગયા વર્ષે એક મહત્ત્વપૂર્ણ શોધમાં કૃત્રિમ કિડનીના પ્રત્યારોપણ પર સફળ પ્રયોગો થયા હતા. ભારતીય મૂળના ડોક્ટર સુવા રોય અને તેની ટીમે આ કામ હાથમાં લીધું હતું જેને પ્રાયોગિક ધોરણે સફળતા મળી છે. જોકે આ પ્રયોગ પણ અત્યાર પૂરતો તો પ્રાણીઓ પર જ સફળ થયો છે. આ સિવાયનાં અંગો કૃત્રિમ રીતે ઓપરેશનથી ફિટ બેસાડવાનું કામ અઘરૂં છે. એમાંય આંતરિક અંગોના પ્રત્યારોપણનું કામ સામાન્ય રીતે જોખમી હોવાની સાથે જ મુશ્કેલ હોય છે. જોકે તાજેતરમાં એક નવી શોધ થઈ છે જેમાં મગજ જેવા શરીરના સવિશેષ સંવેદનશીલ અંગમાં અમુક ખામી ભરેલા ભાગને બદલી શકાય એવી શક્યતા ઉજળી બની છે.
આ શોધ અનુસાર મગજમાં રહેલા ખામીયુક્ત ભાગને બદલવા માટે ઈલેક્ટ્રોનિક ચિપ્સનો ઉપયોગ કરાશે. વર્તમાન વિજ્ઞાનને આ એક આશ્ચર્યજનક સફળતા મળી છે. જેમાં દાવો કરાયો છે કે ભવિષ્યમાં માનવશરીર અને મશીનનો સમન્વય કરીને માનવીને કટોકટીની પરિસ્થિતિમાં નવજીવન આપી શકાશે. સાયન્સ ફિક્શન ફિલ્મોની કલ્પના જેવી લાગતી આ વાત જો સાકાર થશે તો ભવિષ્યમાં મગજની બીમારીથી પીડાતા દર્દીઓને મોટી રાહત થઈ શકશે. ખાસ કરીને બ્રેઈન ટયુમર જેવી અસાધ્ય બીમારી વેળાએ આ ટેકનિક કારગત નીવડશે. વળી મોટી ઉંમરે કંપવા સામે લડત આપતા દર્દીઓના મગજમાં ડેમેજ પાર્ટ બદલીને ઈલેક્ટ્રોનિક પાર્ટ પણ મૂકી શકાશે. આ મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે તેલ અવીવ યુનિર્વિસટી (Tel Aviv University)ની સંશોધક ટીમે. જેમ વાહનોમાં ખરાબ થયેલો હિસ્સો બદલીને નવા પાર્ટ્સ ઉમેરાય છે એ જ રીતે માનવીય મસ્તિષ્કમાં નબળા પડેલા ભાગમાં ઈલેક્ટ્રોનિક ચિપ્સ નાંખીને ફરીથી એ ભાગને પહેલાંની માફક કાર્યરત કરવા તરફ આ ટીમે વર્ષો સુધી સતત પ્રયોગો કર્યા હતા.
આ વાતને સત્તાવાર સમર્થન આપતા યુનિર્વિસટીના પ્રોફેસર મેટ્ટી મિન્ટ્સે જણાવ્યું કે મગજના અમુક હિસ્સામાં ખરાબીના કારણે આખા મસ્તિષ્કમાં ગંભીર નુકસાન થઈ રહ્યું હોય ત્યારે જો આપણી પાસે વાહનોના વિવિધ પાર્ટ્સની જેમ એ હિસ્સાને બદલી કાઢવા વિકલ્પો હોય તો કેટલી માનવ જિંદગી બચાવી શકાય એ વિચાર સાથે અમે આ સંશોધન હાથ ધર્યું હતું અને અમને એમાં સફળતા પણ મળી છે.
હવે એ દિવસો દૂર નહીં હોય કે મગજની અસાધ્ય બીમારીથી પીડાતા લોકો ઓપરેશનથી હાથ-પગ બદલી શકે છે એમ મસ્તિષ્કના પાર્ટ્સ પણ બદલી કાઢશે!”
સંશોધક ટીમે ઉંદરની ખોપરીમાં આ રીતે રોબોટિક પાર્ટ્સનું પ્રત્યારોપણ કરીને તેની કામ કરવાની ક્ષમતા તપાસી હતી. આ ઉંદરોની કાર્યપદ્ધતિમાં કશો જ ફર્ક પડયો ન હતો. ઉંદરોનું વર્તન પહેલાંની માફક જ એકદમ નોર્મલ જણાયું હતું.
સંશોધકો દ્વારા કરાયેલો દાવો જો સાચો પડશે તો ભવિષ્યમાં માંસ અને મશીનરીના સંયોગથી એક નવી માનવીય પ્રજાતિ દુનિયામાં અસ્તિત્વ ધરાવતી થશે!
કઈ રીતે બેસાડાશે સર્કિટ?
એક એવી ઈલેક્ટ્રોનિક સર્કિટ તૈયાર કરવામાં આવશે. જે માંસ અને મગજમાં રહેલી ટચૂકડી રક્તવાહિનીઓ સાથે કોઈપણ પ્રકારના અવરોધ વિના સંકલન સાધશે. જોકે આ સર્કિટમાં કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવશે એ અંગેની માહિતી સ્પષ્ટ કરવામાં આવી નથી. નિષ્ણાતો આ સંશોધનને એક મહત્ત્વપૂર્ણ શોધ તરીકે જોઈ રહ્યા છે. શરૂઆતમાં આ પ્રત્યારોપણ ખર્ચાળ હશે પરંતુ સમયાંતરે સુલભ્ય અને સહજતાથી મગજના ડેમેજ પાર્ટનું પ્રત્યારોપણ થઈ શકશે.